દફતર લઈને દોડવું…!!
તૂટેલી ચપ્પલ નું જોડવું…!!
નાશ્તા ના ડબ્બાઓ…!!
શર્ટ પર સહીના ધબ્બાઓ…!!
ખોબે ખોબે પીવાતું પાણી…!!
રીસેસ ની વિશેષ ઉજાણી…!!
બેફામ રમાતા પકડ દાવ…!!
ઘૂંટણ એ પડતા આછા ઘાવ…!!
બાયોં થી લુંછાતા ચેહરા…!!
શેરીઓમાં અસંખ્ય ફેરાં…!!
ઉતરાણ ની રાત જાગી…!!
પકડાયલા પતંગ ની ભાગી…!!
ભાડાં ની સાયકલ નાં ફેરાં…!!
મહોલ્લાના ઓટલા પર ડેરા…!!
મંજી ની રેલમ છેલ…!!
ગીલ્લી ડંડા નો એ ખેલ…!!
ચાર ઠીકડી ને આટા પાટા…!!
લાઈટના થાંભલે ગામગપાટા…!!
વરસાદે ભરપૂર પલળવું…!!
ખુલ્લા પગે રખડવું…!!
બોર આમલી નાં ચટાકા…!!
પીઠ પર માસ્તર ના ફટાકા…!!
બિન્દાસ્ત ઉજવાતું વેકેશન…!!
નાં ટ્યુશન નાં ટેન્શન…!!
વાત સાચી લાગી…!!
કે નહિ મિત્રો…!!!!
બધું ભૂલાઈ ગયું…!!
આ મોર્ડન લાઈફ ની લાઇ માં…!!
કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!
આમાં એક લાઈન છે, બિન્દાસ ઉજવાતું વેકેશન. નેવુ ના દાયકામાં ઉછરેલી પેઢી આગળ વેકેશન નું નામ લાઇએને એટલે સ્મૃતિપટલ પર આખ્ખી ફિલ્મ પસાર થઈ જાય. વેકેશન એટલે ધીંગામસ્તી, મામાનું ઘર, આખ્ખો દિવસ રમાતી અવનવી રમતો, ના કોઈ કલાસ કે ના કોઈ ટ્યુશન…
એક્ઝામ્સ ની સીઝન ઓલમોસ્ટ પુરી થઈ ગઈ છે અને વેકેશન પડી ગયુ છે. પણ કમનસીબે ઉપરની કવિતા મુજબ નવી પેઢીના નસીબમાં આ બિન્દાસ ઉજવાતું વેકેશન નથી… આપણે ત્યાં ઘણાં વખતથી નવો ટ્રેન્ડ ચાલુ થયો છે પેરેન્ટ્સ માં, વેકેશન પડ્યું નથી કે બાળકોને અવનવા ક્લાસમાં જોઈન કરી દેવાના… ડાન્સ, મ્યુઝિક, કરાટે, પેઇન્ટિંગ, સ્કેટિંગ, સ્વીમીંગ ને ના જાણે કેટલાક કલાસ… લિસ્ટ લાબું છે, પેરેન્ટ્સ ની અપેક્ષાઓ ની જેમ જ.
માની લઈએ કે અત્યારના સમય પ્રમાણે બાળકને ભણતર સિવાય પણ ઘણું બધુ શીખવવું જ પડે. પણ એ એમના શોખ કે રસ રુચિ પ્રમાણેનું હોવું જોઈએ, લિમિટેડ હોવું જોઈએ. નહિ કે બાજુવાળા એમના છોકરા ને ફલાણા કલાસ કરાવે છે તો આપણે પણ કરાવવા જોઈએ. બીજી એક માનસિકતા બધાને બતાવી દેવાની છે પેરેન્ટ્સ માં. અમે તો આ વખતે આટલા કલાસ કરાવીએ છીએ. ગયા વખતે આટલા હતા, અને હવે આવતા વર્ષે બીજા કલાસ કરાવશું… અરે ભાઈ, આ કંઈ કમ્પલસરી સિલેબસ કે જોબ ટાર્ગેટ થોડો છે કે આ વર્ષે આટલુ કર્યુ હવે આવતા વર્ષે બીજું…
હમણાંજ આવી વાત થઇ કે એક ભાઈ એમના પુત્રને પરાણે કોઈ કલાસ કરાવતા હતા. એનું સાંભળીને અમારા એક રિલેટિવ કહે કે એ તો એને ગમતું હોય તો કરાવાય, કંઈ પરાણે થોડું કરાવાય.. પણ અફસોસની વાત એ છે કે આવું કહેવાવાળાને પોતાને જ એ ખબર ન્હોતી કે એમના પુત્રને સેમાં ઇન્ટરેસ્ટ છે. સવાલ એ છે કે બાળકને કંઈક બનાવી દેવાની ઈચ્છાઓ રાખનારા કેટલા પેરેન્ટ્સને પોતાના બાળકને કયા વિષયમાં કે કઈ બાબતમાં રસ છે એ ખબર હોતી હશે? અને કદાચ ખબર પડે તો પણ એ બાબત સાવ અલગ જ હોય તો કેટલા એવા પેરેન્ટ્સ હશે કે જે એવા અલગ વિષયમાં પણ આગળ વધવા માટે બાળકને પ્રોત્સાહન આપે? કોઈક છોકરાને કુકિંગ માં ઇન્ટરેસ્ટ હશે તો એને કુકિંગ કલાસ માં મોકલવાને બદલે એમ કહી દેવાશે કે છોકરાઓ કુકિંગ ના કરે અથવાતો એમાં થોડી કરિયર બને? કોઈક ને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ હશે તો એને ખાલી રમત કહીને એવોઇડ કરવામાં આવશે.
ખાટલે મોટી ખોટ એ છે કે આપણે પોતે જ કોઈ બાબતમાં ઊંડા ઉતરવું નથી. આપણે બાળકોને બધું જ શીખવવું છે, પણ જો એમાંથી જ કોઈ એક બાબતમાં એને આગળ વધવું હોય તો આપણે એને ત્યાં જ બ્રેક મારી દેવી છે એમ કહીને કે ભણીએ તો જ આગળ વધી શકાય. પણ જરાક એવી તસ્દી નથી લેવી કે એને ગમતા ક્ષેત્રમાં આગળ જતાં એ શું કરી શકે એની શક્યતાઓ ચોકસીએ. ના ખબર હોય તો કોઇક ને પૂછીએ. આપણે પણ સમજીએ અને પછી એને પણ સમજાવીએ કે એને ગમતા વિષયમાં એ આગળ શું કરી શકશે. અને એને કેટલી મહેનત કરવી પડશે. પેરેન્ટ્સ તરીકે આપણે એટલી મહેનત નથી કરવી પણ બાળકો ખૂબ મહેનત કરે એવી આશા આપણે હંમેશા રાખીએ છીએ.
બહુત નાઇન્સાફી હૈ..
તો બધા મમ્મીઓ એન્ડ પપ્પાઓ, વેકેશનમાં બાળકોને રેસના ઘોડાની જેમ દોડાવવાને બદલે જરા ટેક અ બ્રેક. જરાક જુઓ, જાણો અને સમજો કે એમને શું ગમે છે, અને એ કરાવો. આફ્ટર ઓલ, તમારા જેવું જ નહી તો થોડુંઘણું ય ફુરસત વાળુ વેકેશન ભોગવવાનો એમનોય રાઈટ તો ખરો ને…